HomeNewsસુરત: લીંબાયતમાં રત્નકલાકારના ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી દાગીના-રોકડ મળી રૂ.1.95 લાખની...

સુરત: લીંબાયતમાં રત્નકલાકારના ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી દાગીના-રોકડ મળી રૂ.1.95 લાખની ચોરી


પખવાડીયા અગાઉ થયેલી ચોરીને લીધે ગભરાતા ફરિયાદ મોડી નોંધાવી 

વેડરોડ ઉપર મોબાઈલ શોપના શટરનું તાળું તોડી અંદરનો કાચ તોડી 25 મોબાઈલ ફોન મળી કુલ રૂ.89,115 ની મત્તાની ચોરી 

સુરત, તા. 16 ડિસેમ્બર 2022 શુક્રવાર 

સુરતના લીંબાયત સ્થિત શિવદર્શન સોસાયટીમાં રહેતા રત્નકલાકારના ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી તસ્કરો દાગીના-રોકડ મળી રૂ.1.95 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરોએ વેડરોડ ઉપર મોબાઈલ શોપના શટરનું તાળું તોડી અંદરનો કાચ તોડી 25 મોબાઈલ ફોન મળી કુલ રૂ.89,115 ની મત્તાની ચોરી કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના લીંબાયત આશાપુરી સોસાયટીની સામે શિવદર્શન સોસાયટી પ્લોટ નં.123 માં રહેતા રત્નકલાકાર નરેશભાઈ રાણાના પત્ની ધર્મિષ્ઠાબેન જરીના કારખાનામાં નોકરી કરે છે.ગત 3 ડિસેમ્બરની મધરાત બાદ 12.30 વાગ્યે તેમનો પરિવાર પહેલા રૂમમાં આગળ પાછળનો દરવાજો બંધ અંદરથી બંધ કરી સુઈ ગયો હતો.દરમિયાન, સવારે 5.15 કલાકે નરેશભાઈ રસોડામાં પાણી પીવા ગયા ત્યારે બીજા રૂમમાં બે કબાટ પૈકી ગુલાબી કબાટ ખુલ્લો હતો અને સામાન અને કપડાં વેરવિખેર હતા.તેમણે બુમાબુમ કરતા પરિવારજનો એકત્ર થયા હતા અને તપાસ કરતા કોઈકે ઘરના પાછળના દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી કબાટના લોકરના દરવાજાના પતરાને વાળી બાળકોની ફીના રૂ.25 હજાર, ધર્મિષ્ઠાબેનના પગારના રૂ.20 હજાર અને રૂ.1.50 લાખની મત્તાના સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ.1.95 લાખની મત્તાની ચોરી કરી હતી.તે સમયે ગભરાયેલા પરિવારે ફરિયાદ કરી નહોતી.જોકે, ગતરોજ ધર્મિષ્ઠાબેને ફરિયાદ નોંધાવતા લીંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

See also  સુરતમાં થર્ડ જેન્ડર દ્વારા મતદાન કરી લોકોને મતદાન માટે અપીલ કરી

ચોરીની બીજી ઘટનામાં વેડરોડ સંત જલારામ સૌસાયટીની સામે આવેલા પંડોળ શોપીંગ સેન્ટર દુકાન નં.21 માં આવેલી પુજારા ટેલીકોમ પ્રાઈવેટ લીમીટેડ નામની મોબાઈલ શોપનું તાળું ગત મંગળવારની રાત્રી દરમિયાન તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને અંદરનો કાચ તોડી 25 મોબાઈલ ફોન, બે ઈયર બર્ડ અને રાઉટર મળી કુલ રૂ.89,115 ની મત્તાની ચોરી કરી હતી. બનાવ અંગે મેનેજર વિકાસ તિવારીએ ગતરોજ ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read