HomeNewsમોરારજી દેસાઈની કર્મભૂમિ સુરતમાં ત્રણ દશકથી ભાજપનો ગઢ

મોરારજી દેસાઈની કર્મભૂમિ સુરતમાં ત્રણ દશકથી ભાજપનો ગઢ


  • મનપા પર સળંગ છ વખત ભાજપનો કબજો
  • સળંગ છ વિધાનસભા ચૂંટણીથી ભાજપનો દબદબો
  • સુરતના સાંસદ તરીકે મોરારજી દેસાઇએ દેશની પહેલી બિનકોંગ્રેસી સરકારનું નેતૃત્વ કર્યું,

દેશના પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજી દેસાઇની કર્મભૂમિ સુરત છેલ્લા ત્રણ દસકથી ભાજપનો મજબૂત ગઢ છે. 1977માં જનતા પક્ષના ઉમેદવાર મોરારજી દેસાઇને બાદ કરતા 1952થી 1989 સુધી સુરત સંસદીય બેઠક પર કાંગ્રેસનું વર્ચસ્વ રહ્યું હતું. 1989માં સુરત બેઠક પહેલી વખત ભાજપે કબજે કરી હતી ત્યારથી આજ સુધી દરેક લોકસભા ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે, એટલું જ નહી 1995 બાદ યોજાયેલી વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે કલીન સ્વીપ મેળવી છે.

મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી મોરારજી દેસાઇનો જન્મ વલસાડ જિલ્લાના ભદેલી ગામે થયો હતો. મુંબઇની વિલ્સન કોલેજમાં ગ્રેજ્યુએટ થયા બાદ તેઓ સિવિલ સર્વિસિસમાં જોડાયા હતા. મહાત્મા ગાંધીની હાકલ બાદ તેઓ સનદી સેવા છોડી આઝાદીની ચળવળમાં જોડાયા હતા. 1952માં તેઓ મુંબઇ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા. 1957માં તેઓ પહેલી વખત સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા, ત્યારબાદ તેઓ 1962, 1967, 1971 અને 1977 એમ સળંગ પાંચ ટર્મ સુરતના સાંસદ તરીકે ચૂંટાયા હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં વિવિધ જવાબદારી નિભાવ્યા બાદ ઇન્દિરા ગાંધીની કેબિનેટમાં તેઓ નાયબ વડાપ્રધાન બન્યા હતા. 1977માં દેશમાં પહેલી બિનકોંગ્રેસી સરકારનું નેતૃત્વ મોરારજી દેસાઇએ કર્યુ હતું. 1977થી 1979 સુધી તેઓ દેશના વડાપ્રધાન હતા. 1977માં સુરતના સાંસદ તરીકે ચૂંટાઇને તેઓ દેશના સર્વોચ્ચ સ્થાને પહોચ્યા હતા. 1980માં તેમણે રાજકીય સંન્યાસ લીધો ત્યારબાદ 1981 અને 1984ની લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર કોંગ્રેસના સી.ડી.પટેલ જીત્યા હતા. 1989માં ભાજપે પહેલી વખત સુરત બેઠક કબજે કરી કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પાડયું હતું.

See also  सूरत : अग्रसेन महिला शाखा एवं आईडीटी के सहयोग से महिलाओं के लिए एक सेल्फ-ग्रूमिंग एवं स्टाइलिंग कार्यशाला 25 को | सूरत

સુરત લોકસભા બેઠક પર ભાજપના કાશીરામ રાણા સળંગ છ વખત ચૂંટણી જીત્યા હતા. 2004થી સળંગ ત્રણ ટર્મ માટે ભાજપના દર્શના જરદોશ સુરતના સાંસદ છે. 1989 બાદ સુરતમાં ભાજપની સ્થિતિ સતત મજબૂત બનતી ગઇ અને કાંેગ્રેસ મૃતપ્રાય થતી ગઇ. 1995, 1998, 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં સુરત પૂર્વના એક અપવાદને બાદ કરતા તમામ વખત ભાજપના ઉમેદવારો જીત્યા. 2002માં સુરત પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર પંદરસો મતની પાતળી સરસાઇથી જીત્યા. આ સિવાય કોંગ્રેસને છેલ્લા ત્રણ દસકમાં એક પણ લોકસભા કે વિધાનસભા બેઠક મળી નથી. મોરારજી દેસાઇની કર્મભૂમિ સુરત આજે ભાજપનો મજબૂત ગઢ મનાય છે.

મનપા પર સળંગ છ વખત ભાજપનો કબજો

See also  ड्रोन कैमरों से पीएम मोदी के रोड शो के रूट पर पुलिस रखेगी पैनी नजर

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સળંગ છ વખત ભાજપનો વિજય થયો છે. 1995માં સુરત મહાનગરપાલિકા માટે યોજાયેલી ચૂંટણીમાં પહેલી વખત ભાજપનો ડંકો વાગ્યો હતો. ભાજપે 99માંથી 98 બેઠક જીતી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું નહોતું. ત્યારબાદ 2000, 2005, 2010, 2015 અને 2021માં યોજાયેલી મનપા ચૂંટણીમાં ભાજપે વિજય મેળવી સત્તા ટકાવી રાખી હતી. 2021ની પાલિકા ચૂંટણીમાં કોગ્રેસનો સંપૂર્ણ સફાયો થઇ ગયો હતો અને કોંગ્રેસના એક પણ ઉમેદવાર જીત્યા નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read