HomeNewsનવી આશા, ઉત્સાહ સાથે વિ.સં.-2079નો આરંભ

નવી આશા, ઉત્સાહ સાથે વિ.સં.-2079નો આરંભ


  • સૂર્ય સંવેદના પુષ્પે, દીપ્તિ કારુણ્યગંધને । લબ્ધ્વા શુભં નવવર્ષેઅસ્મિન કુર્યાત્સર્વસ્ય મંગલમ્ ।।
  • સોમવારે દિવાળી અને મંગળવારે સૂર્યગ્રહણ સાથે વિક્રમ સંવત-2078ને સ્નેહભરી વિદાય
  • સંબંધીના ઘરે જઇ તેમની મુલાકાત લઇ નૂતન વર્ષાભિનંદન કરાશે

પ્રકાશના પર્વ દીપોત્સવીની રોનક શહેરમાં સ્પષ્ટપણે દેખાઇ રહી છે. સોમવારે દિવાળીની રંગારંગ ઉજવણી અને મંગળવારે સૂર્યગ્રહણ સાથે જ શહેરીજનોએ વિક્રમ સંવત-2078ને સ્નેહભરી વિદાય આપી છે. જ્યારે બુધવારે નવી આશા, ઉમંગ, સપના અને ઉત્સાહ સાથે જ વિક્રમ સંવત-2079નો આરંભ થશે. દરમિયાન સવારે મુહૂર્તમાં ફટાકડા અને આતશબાજી ફોડીને નવા વર્ષના વધામણાં કરવામાં આવશે. આબાલવૃદ્ધ સૌકોઇ એકબીજાને નૂતન વર્ષાભિનંદન કહી નવું વર્ષ શુકનવંતુ રહે એ માટે શુભકામના પાઠવશે.

ચાલુ વર્ષે દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે એક દિવસનો ધોકો એટલે કે વિરામ હોઈ શહેરીજનોમાં ભારે અસમંજસ જોવા મળી હતી. તિથિના વિચિત્ર સંયોગ સાથે જ રમા એકાદશી, વાઘબારસ, ધનતેરસ અને કાળીચૌદશની ઉજવણી કરાઇ હતી. સોમવારે દિવાળીની રજા બાદ મંગળવારે અનેક કોર્પોરેટ ઓફિસો, બેંકોના કામકાજ ચાલુ રહ્યા હોઈ બજારમાં ચહલપહલ દેખાઇ હતી. જ્યારે સાંજે સૂર્યગ્રહણ બાદ મોડી સાંજથી નૂતન વર્ષની ઉજવણીનો માહોલ જામ્યો હતો. દરમિયાન ટાબરિયાઓએ તનકતારા, ચકરડી, કોઠી, જાતજાતના બોમ્બ, રોકેટ, અવનવા પ્રકારની આતશબાજી ફોડીને મોજ માણી હતી. ગૃહિણી, મહિલાઓએ ઘરના આંગણે રંગબેરંગી રંગોળી કરી હતી. દિવાળીના દિવસોમાં ઘરમાં દીપ પ્રાગટય શુકન માનવામાં આવતું હોય ઘરોમાં દીપ થકી રોશની કરાઇ હતી. ઉપરાંત, દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી ભગવાન રામ અને અયોધ્યા સાથે જોડાયેલી હોય મંદિરોમાં પણ તેની ઝાકમઝોળ દેખાઇ હતી. મંગળવારે રાત્રિએ નવા વિક્રમ સંવત વર્ષ 2079ને આવકાર આપવા થનગનાટ દેખાયો હતો. હવે બુધવારે વહેલી સવારે ઓફિસ, ઘર, દુકાનમાં મુહૂર્તમાં પૂજા-અર્ચના કર્યા બાદ ફટાકડા ફોડવામાં આવશે. તેમજ સંબંધી, મિત્રો, પરિજનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવાશે. પરિવારજનો, મિત્રો, સંબંધીના ઘરે જઇ તેમની મુલાકાત લઇ નૂતન વર્ષાભિનંદન કરાશે.

See also  ડુમસ સી-ફેસમાં મલ્ટીલેવલ પાર્કિંગ, ઇકો કોટેજ, નેચરલ થેરાપી સેન્ટર માટે સૂચન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read