HomeNewsદિવાળી... 108ને મળતા કોલ 30% વધ્યાં, 2 મોત

દિવાળી… 108ને મળતા કોલ 30% વધ્યાં, 2 મોત


  • ફટાકડા ફોડતા બાળકોને જોતા પહેલા માળેથી પટકાયેલા આધેડ અને દિવા પ્રગટાવતા દાઝેલી મહિલાનું મોત
  • ઉધના, ગોડાદરા, ખટોદરા, લિંબાયત
  •  નવાગામ સહિતના વિસ્તારમાંથી સૌથી વધુ કોલ નોંધાયા

રોશનીના પર્વ દિવાળી દરમિયાન સુરતમાં બનેલા ફટાકડા ફોડતી વખતે દાઝવાના, ધાબા કે ટેરેસ પરથી નીચે પડવાના, મારામારી અને માર્ગ અકસ્માત સહિતના બનાવોને લઈ 108-ઇમરજન્સી સતત દોડતી રહી હતી. દિવાળીથી નવા વર્ષ અને ભાઈબીજ સુધીના ત્રણ દિવસ દરમિયાન સુરતમાંથી 108-ઇમરજન્સીને મળેલા કોલની સંખ્યામાં સામાન્ય દિવસોની તુલનામાં 30 ટકા જેટલો વધારો નોંધાયો હતો. 108-એમ્બ્યુલન્સને શહેરના ગોડાદરા, ખટોદરા, લિંબાયત, નવાગામ, હીરાબાગ, ભેસ્તાન, સચિન અને અમરોલી વિસ્તારમાંથી સૌથી વધારે કોલ આવ્યા હતા. જ્યારે મગદલ્લા ગામ ખાતે ફટાકડા ફોડતા બાળકોને જોતા પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડ અને સીટીલાઈટ વિસ્તારમાં દિવાળીના દિવા પ્રગટાવતી વખતે ઝાળ લાગતા દાઝેલી મહિલા મોતને ભેટી હતી.

See also  સુરત: 16 વર્ષીય તરુણીનું ગેરકાયદેસર ગર્ભપાત કરતા મોત, સ્મશાનમાં ડેથ સર્ટિ. માંગતા પોલીસ તપસમાં ભાંડો ફૂટ્યો

મગદલ્લા ગામ ખાતે બાપુનગર-1માં રહેતા રમેશભાઈ ચીમનભાઈ પટેલ (ઉં.વ.52) ગત તા. 24મીએ સાંજે ઘરના પહેલા માળેથી નીચે પટકાયા હતા. તેઓ રોડ પર ફટાકડા ફોડતા બાળકોને જોઈ રહ્યાં હતા. ત્યારે આ ઘટના બની હતી. જેને લીધે ગંભીર ઇજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઉમરા પોલીસે કહ્યું હતું કે, મૃતક રમેશભાઈ પ્રેશર અને સુગરની બીમારીથી પીડિત હતા. તેઓ ફટાકડા ફોડતા બાળકોને નીચે જોઈ રહ્યાં હતા. ત્યારે અચાનક ચક્કર આવતા અકસ્માતને નીચે પટકાયા હતા અને હોસ્પિટલના બિછાને મોતને ભેટયા હતા. બનાવ અંગે તપાસ ચાલી રહી છે.

સીટીલાઈટ સ્થિત સ્વીટ હાઉસમાં રહેતા અનુરાધા બેગાની (ઉં.વ.45) દિવાળીના દિવસે પોતાના ઘરે દિવા પ્રગટાવી રહ્યાં હતાં. તે સમયે સળગતા દિવાની ઝાળ સાડીમાં લાગતા શરીરે દાઝી ગયા હતા.

See also  તકનીકી સમસ્યાને લીધે સામી દિવાળીએ વેપારીઓ માટે હૈયાહોળી

તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગત તા. 27મીએ તેઓ મોતને ભેટયાં હતાં. ઉમરા પોલીસે કહ્યું હતું કે, મૃતક અનુરાધા બેગાની મુળ રાજસ્થાનના વતની હતા. તેમના પતિ રિંગરોડ સ્થિત કાપડ માર્કેટમાં દુકાન ધરાવે છે. બનાવ અંગે તપાસ પોલીસ તપાસ ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read